પાંદડાએ લે! મને ઊભી રાખી, પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તોદાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,સૂરજના હોંકારે જાગેલા કાળમીંઢપડછાયા જૂઠ્ઠા થઈ જાય; ઝાડવાએ લે! મને ઊભી રાખી, પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…કોઈ વાર માળામાં ઊતરતું ચાંદરણુંડાળખીમાં ત્રાંસું થઈ જાય,કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓગળચટ્ટાં આંસુ થઈ જાય;વાયરાએ લે! મને ઊભી રાખી, પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી… –વિનોદ જોશી આ ગીતની નાયિકા જ્યાં જાય ત્યાં, કોઈને કોઈ, આ કે તે બહાને, તેને ઊભી રાખે છે.એવું તે શું હશે તેનામાં?પહેલાં રોકે છે પાંદડું.થોડી વાર સુધી આડીઅવળી વાતો કરે છે.(પાંદડાને વાતો કરતાં કોણે શીખવ્યું?પવને?) પછી ખબર પડે છે કે પાંદડાને રસ તો હતો ઝાકળની લૂમને વેડવામાં. (‘ઝાકળની લૂમ’,’વેડવું’ અને ‘બૂઠઠું દાતરડું’ જાતીયતાનાં પ્રતીક છે.) સૂરજની સાથે પડછાયા પણ ઊગે.અહીં આકર્ષણ ને ત્યાં પ્રતિ આકર્ષણ. પાંદડા પછી આવ્યું ઝાડવું. નાયિકા ઝાડવાના છાંયડે ઊભી રહી’- આ થયું સીધુંસાદું વાક્ય. કવિતા માટે તો સીધીસાદી નહીં પણ વાંકીચૂકી રજૂઆત જોઈએ. ઝાડવાને શૃંગાર રસિક નાયક તરીકે કલ્પીને કવિ કહે છે કે તેણે નાયિકાને (અરડી-મરડીને) તડકેથી છાંયડીમાં નાંખી! છાંયડીની તળાઈ પર નંખાયેલી નાયિકા થોડી પળ સુધી બોલી ન શકે. માટે ‘નાંખી’ શબ્દ સાથે જ અંતરો પૂરો થાય છે.માળો એટલે ઘર.ચાંદરણું એટલે આશા. માળામાં ઊતરતું ચાંદરણું ડાળી વચ્ચે આવવાથી વેતરાઈ જાય. (કીડીના ઝાંઝર જેવું રૂપક છે,કાન સરવા રાખશો તો જ સંભળાશે.) આશા-ઓરતા અળપાય ત્યારે આંસુ આવે-ખારાં નહીં પણ ‘ગળચટ્ટા.’ (શેલીએ કહ્યું છે તેમ ગમગીન ગીતો મીઠાં લાગે છે.)પાંદડા અને ઝાડવા પછી આવ્યો વાયરો. ‘પગથી માથા લગી’ રૂઢિપ્રયોગ છે. વાયરાથી એકેય અંગ છાનું ન રહી શકે. ‘પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી’- આ પંક્તિ અશ્લીલ નહીં પણ સુંદર લાગે છે. શું કહ્યું છે, તે અગત્યનું નથી, કેવી રીતે કહ્યું છે, તે અગત્યનું છે.ગીતની બાંધણી કુશળતાથી કરાઈ છે.મુખડામાં ‘રાખી-આખી’ના પ્રાસ સ્થાપીને કવિ અંતરામાં ‘નાંખી/ચાખી’ના પ્રાસ તો મેળવે જ છે, ઉપરાંત ‘લે! મને ઊભી રાખી,પછી…’ પદનું પણ બન્ને અંતરામાં પુનરાવર્તન કરે છે. વળી ‘અમથી-તમથી’, ‘અરડી-મરડી’, ‘અહીંથી તહીંથી’ પદાવલિ વડે ગીતમાં એક પેટર્ન રચી આપે છે.યુવતી સાથે સમાગમ કરવા પ્રકૃતિનાં તત્વો ઉત્સુક થઈ જાય,એવી કલ્પના કાલિદાસમાં પણ આવે છે. જોકે કાલિદાસનું સ્મરણ કરાવે એવું ગીત રચનારા આજે કેટલા મળે છે? –ઉદયન ઠક્કર