દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો…
બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો…
કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો…
લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?
– કૈલાશ પંડિત https://www.youtube.com/watch?v=ISnmnV00SsU
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
– કૈલાશ પંડિત