તેડાં મોકલું – લલિત ત્રિવેદી

Share it via

ખુશ્બૂને… ઝાકળને…ઝળઝળિયાંને તેડાં મોકલું ,
હે ગઝલ ! તારાં સમોવડિયાને તેડાં મોકલું !

માંડવો એનાં વગર રહેશે અધૂરો ,બાઈજી!
રૂસણાંને કઉં ને પાતળિયાને તેડાં મોકલું !

મોરપીછું મહેકમાં બોળીને લખશું નોતરાં ,
હે ગણુદાદા ! કયા લહિયાને તેડાં મોકલું !

નોતરું નરસિંહને ગાલિબને જીવણદાસને,
વ્હાલકુડા મારા ઈ હઈયાને તેડાં મોકલું !

તરણાનો પણ ભાર જ્યારે લાગે ટચલીબાઈને,
બેય કર જોડીને શામળિયાને તેડાં મોકલું !

ઓરડો ઝાંખો કરું કે દીવડો ઝીણો કરું?
કઈ રીતે હે રાત ! જીવણિયાને તેડાં મોકલું !
– લલિત ત્રિવેદી

(Birthdate : ૦૯ August, ૧૯૪૭)

અલગ (અન્યો સાથે) (૧૯૮૨),
પર્યંત (૧૯૯૦),
અંદર બહાર એકાકાર (૨૦૦૮),
બીજી બાજુ હજી મેં જોઈ નથી (૨૦૧૩)

‘કવિલોક’ નું ‘હિમાંશુ બાબુલ’ પારિતોષિક (૧૯૯૯),
‘પરબ’ શ્રેષ્ઠ કાવ્ય – કવિશ્રી ન્હાનાલાલ અને શ્રી રા.વિ.પાઠક પારિતોષિક (૨૦૦૪),
ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૨૦૦૮),
“સમર્પણ” સન્માન, નવનીત-સમર્પણ, મુંબઈ, ૨૦૧૩,
“મનહરલાલ ચોકસી પારિતોષિક”, નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમ, સુરત, ૨૦૧૫.

7 thoughts on “તેડાં મોકલું – લલિત ત્રિવેદી”

  1. આવા તેડાં મળે તો હરખભેર આવે ગગનથી ઊતરેલી ગઝલ.

    Reply
  2. અદ્દભૂત…
    તરણાં નો પણ ભાર જ્યારે લાગે
    ટચલીબાઈ ને…
    ઓહો…..

    Reply

Leave a Comment

error: Content is protected !!