સખી ! પરણ્યાને હળવે જગાડું
વહેલી સવારનું સપનું મમળાવતી હું ખુદના પડછાયામાં ભળતી
વીતેલી રાત મારી આંખ્યુંમાં કોણ જાણે ઘી ને કપૂર જેમ બળતી
હવે અધમણ રૂની બાળી દિવેટ એના અજવાસે આભલાં લગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું
મેડી છોડીને ચાંદ ચાલ્યો ઉતાવળો એ પલકારે વહી ગઈ રાત…
કહેતાં કહેતાંમાં પ્હો ફાટ્યું ને સાવ મારી કહેવાની રહી ગઈ વાત !
એવું થાતું કે પે..લા બુઝાતા ચાંદને ઝાલરની જેમ રે ! વગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !
પીપળા સન્મુખ જઈ ઊભી રહું તો મારી માનેલી માનતાઓ ફળતી
એવી શ્રદ્ધાથી નિત મસ્તક નમાવી હું મીઠા ઉજાગરાને દળતી
મને ચીડવતું ગામ કહી : ‘ભાંગ્યું ભરૂચ તો કોઈ કહે ભાંગ્યું રજવાડું’ !
સખી ! પરણ્યાને હળવે જગાડું
હરિહર જોશી