કદાચ હું કાલે નહીં હોઉં-
(કાલે નહીં તો પરમ દિવસે નહીં હોઉં-
પેલે દહાડે નહીં હોઉં-
કોઈક દિવસ તો નહીં જ હોઉં !)
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મેં ખરીદીને ભેટ આપેલાં પુસ્તકોનું
બીલ ચૂકવવું બાકી છે,
કાલે જો પવન વાય તો કહેજો કે
દિલ્લી સાહિત્ય અકાદમીની ડાળી પરથી
પારિતોષિકનું પક્વ ફળ ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
બોરીસાગરને રણજિતરામ ચંદ્રક મળવો બાકી છે;
બિલ ન ભરવાને કારણે
કપાઈ ગયેલું વીજળીનું કનેકશન જોડાવાનું બાકી છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
સિલિન્ડર અને ઘાસતેલની તંગીને કારણે
બોરીસાગરને ઘેર
ચૂલો સળગવાનો બાકી છે
કદાચ હું કાલે નહીં હોઉં
(કાલે નહીં તો પરમ દિવસે નહીં હોઉં-
પેલે દહાડે નહીં હોઉં-
કોઈક દિવસ તો નહીં જ હોઉં !)
(સ્વ. સુરેશ જોશીને ક્ષમાયાચના સાથે)