તારા પહેલાં જ
હું તારી બાજુમાં
બેસી ગયો હોઈશ
મિત્ર,
તું જોજેને
તારી પાસે જે કાઈ હોય
એનાથી વધુ નજીક
હું જ
મારી જાતને ઓગાળી દઇને
બેઠો હોઈશ,
તને પણ એનો ખ્યાલ ન આવે એમ !
ના. હું કઈ બોલવાનો નથી
પુછવાનો નથી, કહેવાનો નથી,
અને જે બોલવું કહેવું પૂછવું હોય
તે મને કયા ક્યારેય આવડ્યું છે ??
ધીમે ધીમે મને હવે
મૌનમાંથી મૂંગા રહેવાની
આદત પડી ગઈ છે.
માત્ર તું
આંખો મીંચીને
કોઈ કાવ્યની પંક્તિ
ગણગણતો હશે
તો એને સાંભળી લઈશ.
કોઈ પાસે ઊંઘા મૂકેલા
પુસ્તકના અક્ષર બનીને
થોડુંક હસી લઈશ,
નીંદરતો હશે તો
હળવેથી ફરફરતી હવાની લહેરખીની જે
વાળમાં આંગળીઓ ફરવી લઈશ.
હું તારી સાથે જ
આખો વખત હોઈશ,
વિદેશનાં એરપોર્ટ પર
ઉતારી જઈને
ત્યાં જ
કોઈ પ્લેનની પાંખો બનીને
ઊભો રહીશ
તું
અહીં પાછો આવવા
એમાં બેસે
એની રાહ જોતો !