ગાબડાંસોંતો ગઢ ઊભો છે કૈં ગોકીરા ગાળી,
ગઢની ટોચે ફજેત ફાળકો દેશે ખુદને ઢાળી!
પળનાં એવાં કટક ચઢ્યાં કે
ખટકમાં ખતવાણા,
અંધારે જઈ કર્યા કાટકા
ને કાજળથી કરપાણા.
ગઢની ટોચે ફજેત ફાળકો ખુદને દેતો તાળી!
ગઢવી બેઠો ગીત ભણે
ને થઈ જાય ઘાવ રાતાં,
પળની સામું ખર્યાં કાંગરે
રાજિયા કૂટાતા.
હારજીતના કૈંક મામલા બેઠા છે ઓગાળી!
પરેશ દવે