આ રમતમાં તો કદી જીતાય નહિ
કોઈ કુદરત સામે સ્પર્ધા થાય નહિ
એક ટીપાં સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ
દર્દ જ્યારે અંગત આવશે
મહેફિલોમાં ત્યારે રંગત આવશે
શબ્દ તારે શોધવા પડશે નહીં
પંક્તિઓ પોતે સુસંગત આવશે !
શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો,
હું સુગંધોને સમેટી ના શક્યો,
હાથ ફેલાવી ઊભા’તા વૃક્ષ સૌ,
હું હતો ઠૂંઠો, કે ભેટી ના શક્યો !
નિસાસાની ચાદર હું વણતો નથી,
કે વેરાનીના મંત્ર ભણતો નથી,
વસંતોમાં વિશ્વાસ રાખ્યો છે મેં,
કદી પાન તૂટેલા ગણાતો નથી
પંખી પાસે આવ્યું બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારી માનમાં,
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો
“પાણી હો તો આવી જા મેદાનમાં !”
હેમેન શાહ