સૂરજની ઓળખાણે ઝાકળ તરી ગયું છે,
બેસી કિરણના વ્હાણે ઝાકળ તરી ગયું છે.
પર્ણોની સાથે થોડો લીલો સમય વિતાવી,
વ્હેલી સવાર ટાણે ઝાકળ તરી ગયું છે.
અફસોસ એટલો કે ભીનાશ ખોઈ બેઠા,
ફૂલો એ ક્યાંથી જાણે? ઝાકળ તરી ગયું છે!
મશગૂલ છે હજીયે ચર્ચામાં ગામ આખું,
અફવા હતી ચરાણે ઝાકળ તરી ગયું છે.
વાદળ સ્વરુપે આભે અસ્તિત્વ પામવાને,
પાણી મટી પરાણે ઝાકળ તરી ગયું છે.
પળભરની જિંદગીનો શણગાર આથી કેવો
મોતી સરીખા દાણે ઝાકળ તરી ગયું છે
દર્શક આચાર્ય