ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું;
જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છુ.
તારી પાસે પ્હોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજી તો કેટલોયે દૂર છુ !
આંખડીનાં તેજ મારાં સાવ છીનવાઈ ગયાં
અંધ થઈને આઠડું છુ તોયે તારું નૂર છુ.
કાં તો હું તારી દઇશ, ને કાં તો હું તાણી જઇશ,
દર્દનો દરિયો છું ને હું પ્રીત કેરું પૂર છુ.
સાંભળી તું નાં શકે તો વાંક છે તુજ કાનનો
બંધ હોઠે રાતદિન ગુંજી રહેલો સૂર છું
હું જ સૂફી-સંત છુ, જલ્લાદ કાતિલ હું જ છું,
જેટલો હું છું દયાળુ, એટલો જ હું ક્રૂર છું.
હાથ મુજ લોખંડી કિસ્મત, આખરે હેઠા પડ્યા,
જેટલો મજબૂત છું હું એટલો મજબૂર છું.