અમારા પાડોશી આ કાકા ને આ કાકી
ચલચિત્રની કોમેડી ને ટ્રેજેડી સરખી કથા એમની ચાલે
બંને અડધાં બહેરાં અને અડધાં દાંત વગરના
દીકરા પરદેશમાં મજા કરે, કાકા હીંચકે લીલાલહેર…
સવાર પડે ને ચાલે એમની જુગલબંધી
ભઇસાબ, આ ચાહ થાય છે ઠંડી, કાકી જોરથી ઘાંટો પાડે
આ છાપાં મારા પેલા ભવના વેરી કાકી બડબડ કરતાં આવે
સાંજ પડે કાકા જોગર્સ પાર્ક જાય ને કાકી દેવદર્શન
દિ આથમતાં કાકા ક્યારેક ઓશરીએ આંટા મારે
ક્યાં ગુડાણાંતાં ? ટાઇમ શું થયો જોયો? કાકા કાકીને ઘાંટા પાડે
અરે શી પ્રભુ લીલાની કથા હતા. કાકી ઘરમાં ઘૂસતાં બોલે
ક્યારેક કાકા ટેસમાં આવી ફિલ્મી ગીત લલકારે
અરે જરા તો લાજો આ છોકરા સંભાળશે
કાકી ખોટી રીસમાં બોલે
ચશ્માં પહેરેલી આંખ મારીને કાકા હીંચકે જોરથી ઠેસ મારે
કાકા ઉત્તર જાય તો કાકી દક્ષિણ
મૂવા ક્યા જોશીડાએ જોશ મેળવ્યા કાકી ગણગણ કરે
હીંચકે બેસી પાન બનાવી કાકા કાકીને પ્રેમથી ખવડાવે
ક્યારેક કાકા જોરથી ખાંસે કાકી વાંસો ધીરેથી પંપાળે
રાત પડે ને ઘરમાં કાકીનું રાજ ચાલે
તુલસી સવિતા પાર્વતીની ઘરમાં આવનજાવન ચાલે
ધૂંધવાયેલા કાકા હીંચકે ઝૂલતાં ઊંઘે
ધીરેથી આવીને કાકી પ્રેમથી શાલ ઓઢાડે.
પ્રેરણા કે. લીમડી