હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું?
આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું?
આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું?
પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું?
હું પ્રતીતિનો પ્રતાપી રાજવી
રાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું?
સાચવ્યા છે તો ય પરોપટા, સ્વજન !
ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું?
એકદંડી વક્ષની કથની લઈ
હોઠમાં અબરખ લઈ ક્યાં ક્યાં ફરું?
કેમ ઉતરે સ્પર્શ વિષકન્યાઓના?
આ ત્વચા, આ વખ લઈ ક્યાં ક્યાં ફરું?
વિષ વિષય ઋતુઓ રૂવાટી કંપનો
કોટિ ત્રેવીસ દખ લઈ ક્યાં ક્યાં ફરું?
એક પળને પણ ન હું પામી શકું
ચોરિયાસી લખ લઈ ક્યાં ક્યાં ફરું?
લલિત ત્રિવેદી