પથ્થરો બોલે તો બોલાવી જુઓ,
શક્યતાનાં દ્વાર ખખડાવી જુઓ,
સહુ પવનની જેમ તો આવી મળે,
વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ.
સાવ બાળકના સમું છે આ નગર
કોઈ પણ આવીને લલચાવી જુઓ.
કાચબો કહેતા સમય જો સાંભરે,
રેતની શીશીને ઊલટાવી જુઓ.
આયનામાં સહુ અહીં ઝીલાય છે
કોઈને આંખોમાં ચીતરાવી જુઓ.