કોઈ આગળ કોઈ પાછળ હોય છે,
કોઈ દ્વારો કોઈ સાંકળ હોય છે.
ઘાસ પરથી ભેદ એનો જાણ તું,
કોઈ જળ તો કોઈ ઝાકળ હોય છે.
પ્રેમનો કરતાં ભલે દાવો બધાં,
કોઈ સાચા કોઈ પોકળ હોય છે.
બંધ કવરે શું હશે કોને ખબર?
કોઈ જાસા કોઈ કાગળ હોય છે.
વાત છોડો યાર માણસજાતની,
કોઈ આંબા કોઈ બાવળ હોય છે.
દર્શક આચાર્ય