મોસમ પણ મીઠુંમરચું ભભરાવે છે – ઉદયન ઠક્કર

Share it via

આપની આ ખટમીઠી વાતો આમે અમને ભાવે છે
ને ઉપરથી મોસમ પણ મીઠુંમરચું ભભરાવે છે!

અમને મોસમ એમ મળે છે, જાણે ઓળખતી જ ન હો!
આપની સામે હસીહસીને ગુલદસ્તો લંબાવે છે

તારલિયાની લિપિ ય છે, ને રાતનું પરબીડિયું પણ છે
આભ ભરીને પત્ર કોઈનો આપને નામે આવે છે

રોજ સવારે સાગરકાંઠે નાચી ઊઠે જલપરીઓ
રુમ્મક ઝુમ્મક મોજાંનાં ઝાંઝર કોઈ પહેરાવે છે

સાગરનાં પાણીની માફક આપ તો ચાલ્યાં દૂર ને દૂર
સાગરનાં પાણી તો જોકે જાય છે, પાછાં આવે છે

બે-ત્રણ અક્ષર લખવા એ કંઈ એવી અઘરી વાત નથી
શું છે એના નામમાં કે જે છેકાવે-ભુંસાવે છે?

-ઉદયન ઠક્કર

લાભશંકર ઠાકર

સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમીને
સરખેસરખી માત્રામાં લઈને
ખરલમાં ઘૂંટો
લાભશંકર* નહિ મળે


ઘંટી ફરે તે દિશામાં
વારાફરતી કવિતા સંભળાવતા લબરમૂછિયાઓને
લાભશંકર રોજ મળે છે
આવતી કાલ માટે દળે છે?


જે નિષ્ફળ નથી ગયો
એ સાહસથી ડરે છે
લાભશંકર સાહસિક છે


પ્રકાશવું એ જ્યોતિનું પ્રયોજન?
ના,
શરીરધર્મ


ખમીસની અવળી બાજુએ ટાંકા
લાભશંકરની અવળી બાજુએ
લાભશંકર

-ઉદયન ઠક્કર

લાભશંકર વૈદ પણ હતા.

Leave a Comment

error: Content is protected !!