હરિ હેત વરસ્યું રે રાનમાં.
ખાબકી પડ્યું હો જાણે આખું આકાશ અહીં ધરતી પર એક જ છલાંગમાં.
હરિ હેત વરસ્યું રે રાનમાં…
પેલા તો ઝીણેરા ફોરાં વરસ્યાં’તા
પછી આખ્ખા અઠવાડિયાની હેલી,
આભલાએ પોતાના દલડાની વાત
જાણે ધરતીને કાનમાં કહેલી.
લથબથતી જાત જાણે ઉપરથી કૂદી હોય ઝરણાંની જેમ જ ભફાંગમાં
ખાબકી પડ્યું હો જાણે આખું આકાશ અહીં ધરતી પર એક જ છલાંગમાં,
હરિ હેત વરસ્યું રે રાનમાં
જળનું એવું કે એ તો ફરતી ટપાલ
પણ પહોંચે છે પાક્કા સરનામે,
આભ, વાયા મોભ અને નેવેથી ઊતરતું
છાતીએ કોરેલા નામે.
ચારેપા લીલીછમ્મ લીલપનું લહેરીયું ધરતીએ ઓઢયું છે સ્વાંગમાં,
ખાબકી પડ્યું હો જાણે આખું આકાશ અહીં ધરતી પર એક જ છલાંગમાં,
હરિ હેત વરસ્યું રે રાનમાં
ભરત ખેની