અત્તરિયા ઓશીકે મઘમઘ ફાગણ ફાયો ચૈતર આયો…..
કુંજ કુંજ માં કેસરિયાળો રસ પથરાયો ચૈતર આયો ….
વગડા વચ્ચે ઊભો જાણે સોળ સજી શણગાર ,
ખેતર શેઢે આવ્યો વ્હાલો તેજીલો અસવાર ,
અંધારી રાત્યુમાં વાયુ હળવે વાયો ચૈતર આયો
ટહુકાભીની રાતલડીની વાતો શમણે પહેરી ,
ઝિલમિલ તારાના ચમકારે એવી લીધી ઘેરી ,
ચાંદાના મદઝર્યા હેતે ઘટ છલકાયો ચૈતર આયો ….
તારા બોલે જીવી લેવું દૂર કદી ન રહેવું ,
નજરું લાગે મધથી મીઠી , મીઠું કોને કહેવું ?
ફરફર થાતી કુંજગલીમાં પ્રેમ છવાયો ચૈતર આયો …
હર્ષિદા દીપક