આ સમયના મંચ પર હોકો ભરી બેઠા છીએ,
ક્યાં ખબર છે કોઈને કેવું કરી બેઠા છીએ ?
મોજથી જીવ્યા કરું છું, ક્યાં ફિકર છે કોઈની,
એકલા હોવા છતાં મહેફિલ ભરી બેઠા છીએ.
લાખ કોશિશો કરે પણ હાથમાં આવે નહીં,
હર દુઃખોના હાથમાંથી કાયમ સરી બેઠા છીએ.
મધદરિયે શું થયું ? એની વિગતમાં ના પડો,
બાવડાના જોરથી દરિયો તરી બેઠા છીએ.
ના બતાવો ડર હવે મૃત્યુ તણો અમને કદી,
ચંદ્ર જેવાં મુખ પરે એમ જ મરી બેઠા છીએ.
આહમદ મકરાણી