કોરાકટાક કરું મેડી-ઝરુખાં ને સુક્કવવા મેલું રે નેવા,
કે તો ય સખી ડંખે છે પાણીના હેવા.
કૂવાથી આજથકી લેવા અબોલા ને નદીયુંનો તરછોડું હાથ
જીદ્દે ભરાણી છું જળ સાથે એવી કે ભરવી છે સૂરજને બાથ
સુક્કા તળાવે જઇ પાણી મેલું કે હવે મારે નઇ લેવા કે દેવા
કે તો ય સખી ડંખે છે પાણીના હેવા.
ઝાકળથી મોઢું મચકોડીને ચાલું ને ઠેકી જઉં ગોઝારી વાવ
વાદળને આંખો દેખાડીને ડારું ને દરિયાને આપું ના ભાવ
ખૂણેખૂણેથી ભેજ લૂંછી નાખું ને પછી તડકાના ગામે જઉં રે’વા
કે તો ય સખી ડંખે છે પાણીના હેવા.
અડકીને ઓણસાલ સોંસરવો વાગ્યો એ છાંટો હતો કે હતી શૂળ!
શૂળ હો તો મૂળસોતી ખેંચી યે કાઢું પણ અઘરું છે છાંટાનું કૂળ
સામે આવે તો તો દઇ દઉં ભડાકે આ છાંટુડિયું ખેલ કરે એવા
કે તો ય સખી ડંખે છે પાણીના હેવા.
પારુલ ખખ્ખર