ઇચ્છાય મળી મરજાદી ક્યાં ઝટમાં બોલે
બોલે તો પણ ક્યારે કૈં પરગટમાં બોલે
ઝીણી ઝીણી રણઝણ એ પણ છાનીમાની
ઝાંઝર પણ પડઘાઇને ઘુંઘટમાં બોલે
ઘર-ખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે
આખી રાતનું અંધારું પનઘટમાં બોલે
લાગણીઓની જાત જનમથી છે મિતભાષી
વરસે અનરાધાર અને વાછટમાં બોલે
સહુ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું
એ ધારી કે કોઈ ઉપરવટમાં બોલે.
જવાહર બક્ષી