જો રૂપેરી જાળ છે દરિયે, બને તો આવ,
ચાંદની રમણે ચઢી ફળિયે, બને તો આવ.
હોય સંશય જો ભીતરમાં તો વિખેરી આવજે,
બે ક્ષણોની સંધ પર મળિયે, બને તો આવ .
ઊંઘ આદિકાળની લઈને સૂતો છે એક જણ,
શંખ ફૂકી કાનમાં કહિયે, બને તો આવ.
ટોચ પર જઈને જોયું તો કોઈ કરતા કોઈ નહીં,
ને કશું દેખાય ના તળિયે, બને તો આવ.
લીમડો મોટો કે મોટી હોય લીંબોળી ભલા,
વાત સહુ અટકી પડી ઠળિયે, બને તો આવ.
ક્યાંક દરિયો, ક્યાંક હોડી ને હલેસાં, ક્યાંક છે,
શું ખબર ક્યા નામનું તરિયે, બને તો આવ.
બે ક્ષણોનું આમ અથડાવું અને અગ્નિ થવું,
ને ધુમાડે બાચકા ભરિયે, બને તો આવ.
જ્યાં લખાયા પ્રેમના અક્ષર તો વંચાયા નહીં,
ભીંત આડી ક્યાં સુધી ધરિયે, બને તો આવ.
મહેન્દ્ર જોશી