વૃક્ષને પણ વાત કરવી હોય છે-
એટલે શીખે છે એ કલવરની ભાષા.
ફુલ – ફોરમને હવા વચ્ચે થતા જે –
એ બદા સંવાદમાં કલવરની ભાષા.
સાંજ હો , માળે મળેલા હોય મન , ત્યાં –
મૌન પણ ઝંખે પછી કલવરની ભાષા.
સાથ છોડી જાય છે જ્યારે વિસામા-
હૂંફ આપે છે પછી કલવરની ભાષા.
આપણે સમજ્યા નહિ એકાંતને –
કે પછી સમજ્યા નહિ કલવરની ભાષા.
પ્રેમની અભિવ્યક્તિની કઈ રીતે ઉત્તમ ?
કોક તો સમજ્યું હશે કલવરની ભાષા.
આ સકળ બ્રહ્માંડનાં કેવાં રહસ્યો-
કોણ સમજ્યું છે અહીં કલવરની ભાષા.
માધવ રામાનુજ