અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
ધોધમાર, ઝરમર ફુહાર, વળી વીજળી ને વાછંટો લાવશું…કોકવાર
આ તો પહેલો વરસાદ પછી બીજો વરસાદ
એવું ભીંજતાં ભીંજતાં ગણવાનુ હોય નહીં
ખેતર ને માટીની જેમ બધુ લથબથ મહેકાય
પછી કક્કાની જેમ કશું ભણવાનું હોય નહીં.
…કોકવાર તારે મલક ચઢી આવશું
વૃર્ક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
પંખીઓ તારામાં અટકળને ગાશે
બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
ટાઢોળા વાયરાની જેમ બધે વાશે
માયાળું લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું?
અણધાર્યા અષાઢી મેઘ જેમ કોકવાર તારે મલક ચઢી આવશું…
~ મણિલાલ હ. પટેલ