જરાક જળમાં જોયું ત્યાં તો જળનો વાગ્યો ઝોંકો રે !
પથ્થર હો તો ઠીક, કરું કાં પરપોટાનો ધોખો રે ?
વાદળ-વાદળ રમતાં રમતાં
છાંટ જરા શી વાગી,
જળ સોંસરવી વીજ અચાનક
ફાંસ બનીને વાગી
પ્હાડ જેવો પહાડ તૂટે. ત્યાં ધરવો કેમેય ખોબો રે ?
પથ્થર હો તો ઠીક, કરું કાં પરપોટાનો ધોખો રે ?
તડકાથી તરબોળ પાંદડે
ટહુકા ટાંકયા ચાર
થીજેલી નદીઓએ છેડયા
સૂર સપ્તકના તાર,
ધુમ્મસ ઠાંકયાં અજવાળાંને કોઈ હવે તો ખોલો રે !
પથ્થર હો તો ઠીક, કરું કાં પરપોટાનો ધોખો રે !
પ્રફુલ્લા વોરા