ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.
જૂઈ ઝળૂંબી માંડવે, ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમાં? મને મૂકી અંતરિયાળ !
આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત,
ગામતરાં તને શેં ગમે ? તું પાછો વળ ગુજરાત.
કોયલ કૂંજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારુ પલ પલ વીંધે ઉર.
અવળું ઓઢયું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કહું નિર્દય કંથડા ! મને વાગે મારગ ઠેસ.
જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારા કોણ પ્રિછે અરમાન?
સમજી જજો સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઇશારા હેતના, એનાં ના કઇં વગડે ઢોલ !
નારી ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળીયે, તેને કેમ સમજાવું વાત?
બ્રહ્મા ! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ !
બાલમુકુન્દ દવે