આંખ પર તોળાતું ભારણ ઊંઘવા દેતું નથી.
જાગતા રહેવાનું ડહાપણ ઊંઘવા દેતું નથી.
હાંફ લઈને ,થાક લઈને હું સતત દોડ્યા કરું,
આંખમાં ઊગેલું એક રણ ઊંઘવા દેતું નથી.
ભૂખની માફક સતત ખખડયા કરે છે રાતભર,
ઝૂંપડીને ખાલી વાસણ ઊંઘવા દેતું નથી.
યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે શસ્ત્રો પણ સૂતાં જ છે!
પણ હજુ અંદરનું ‘હણહણ’ ઊંઘવા દેતું નથી.
જીવ ચોંટયો છે હજુ ખીંટી ઉપરના ચીંથરે!
કે નવું નક્કોર પહેરણ ઊંઘવા દેતું નથી.
ફૂલનો એક છોડ મોટો થઈ રહ્યો છે આંગણે
ત્યારથી આ ઘરને પ્રાંગણ ઊંઘવા દેતું નથી.
હોય છો મખમલ મુલાયમ રાત તો ભૈ રાત છે,
કોઈને આ કાળું કામણ ઊંઘવા દેતું નથી.
કારણો ‘ને તારણોમાં અન્યને શું દોષ દે!
જાગવા લીધેલું ખુદ પ્રણ ઊંઘવા દેતું નથી.
બે તરફ પડખાં ફરીને આખરે માલૂમ પડે,
હાથનું લીધેલું ટેકણ ઊંઘવા દેતું નથી.
વાત આવીને ફરીથી ત્યાંજ અટકી જાય છે,
વારતાનું છેલ્લું પ્રકરણ ઊંઘવા દેતું નથી.
થઈ ઉલા-સાની-ઉલા-સાની-ઉલા-સાની-ઉલા,
બન્ને મિસરાનું આ વળગણ ઊંઘવા દેતું નથી.
જુગલ દરજી