એકાદો ઘૂંટ લઈ જામ કર્યો મીઠો,
જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો ?
આંગળીથી સરતી’તી અલગારી પ્રીત,
આંખડીમાં છકલી’તી વ્હાલપની જીત,
અંતરમાં ઘુમરાતો રંગ કો આદીઠો,
જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો
પાંપણ ભીની ને હજી હોઠ રહ્યા કોરા
સગપણનો રાહ તપે તરસે છે ફોરાં,
રહી રહીને યાદ ચડે સ્વાદ એ અજીઠો
જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો.
હરીન્દ્ર દવે