દ્રષ્ટિ મારી સતત આભ સામી હતી
થાય શું પાંખ બિલકુલ નકામી હતી
બેઉ ખભે ફક્ત રામનામી હતી
તોય વૈભવ હતો, જામોકામી હતી
રોગ કે શત્રુની કઇં નથી વાત આ
જાતને ઊગતી મેં જ ડામી હતી.
વૃક્ષ તો એક પળમાં કપાઈ ગયું
ને અસર તે છતાં દૂરગામી હતી
ના કર્યું સ્મિત એણે, રુદન પણ નહીં
ક્યાંક સમવેદનામાં જ ખામી હતી.
સાવ થંભી ગઈ આ કલમ એ ક્ષણે
જે ક્ષણે મૌનનો અર્થ પામી હતી.
ઉર્વીશ વસાવડા