અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
લાભશંકર ઠાકર
ઠાકર લાભશંકર જાદવજી, ‘પુનર્વસુ’( (૧૪-૧-૧૯૩૫)
કવિ, નાટ્યકાર, નવલકથાકાર.
વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પાટડી. જન્મ સેડલામાં. ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૫૭માં બી.એ.,૧૯૫૯માં એમ.એ., ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સનો ડિપ્લોમાં. સાતેક વર્ષ અમદાવાદની કૉલેજોમાં અધ્યાપક અને હવે પોતાના ક્લિનિકમાં આયુર્વેદીય ચિકિત્સક. ‘આકંઠ સાબરમતી’ નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ. ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ જેવાં સામયિકોનું પ્રકાશન. ૧૯૬૨ નો કુમારચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક, જે પરત કરેલો.
સાતમા દાયકામાં ગાંધીયુગીન અને અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિતાથી જુદી પડતી જતી આધુનિક મિજાજવાળી કવિતા લઈને જે કવિઓ ગુજરાતી કવિતામાં આવ્યા તેમાં લાભશંકર અને એમના ‘રે મઠ’ ના કવિઓની કવિતાનો અગત્યનો ફાળો હતો. ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ (૧૯૬૫) ની મોટા ભાગની રચનાઓ અક્ષરમેળ-માત્રામેળ છંદોનો ઉપયોગ, સાંપ્રતમાંથી અતીતની સ્મૃતિમાં સરવાની ટેવ, પ્રકૃતિનાં તત્વો પ્રત્યે આકર્ષણ ઇત્યાદિ વલણોને લીધે, અલબત્ત, પુરોગામી કવિતા સાથેનું અનુસંધાન વિશેષ જાળવે છે. તોપણ એમાંની ‘તડકો’ રચના પરંપરાને છોડી પ્રયોગશીલતા તરફ ગતિ કરતી કવિની શક્તિની સૂચક છે. છાંદસ-અછાંદસના મિશ્રણ સહિતની, કલ્પનોનો વિશેષ આશ્રય લેતી અને વાચ્યાર્થમાં અતાર્કિક બનતી શૈલી, ગાંભીર્ય અને હળવાશનું સંયોજન, લયનું વૈવિધ્ય, વ્યક્તિત્વની ખંડિતતા અને નિર્ભ્રાન્તિનો અનુભવ વગેરે આધુનિક કવિતાનાં ઘણાં લક્ષણોવાળી ‘માણસની વાત’ (૧૯૬૮) જેવી દીર્ઘ કવિતા કવિને આધુનિક કવિઓમાં અગ્રસ્થાને મૂકી દે છે. ‘મારે નામને દરવાજે’ (૧૯૭૨)નાં કેટલાંક કાવ્યોમાં શબ્દથી વ્યક્ત ન થઈ શકવાને લીધે મનમાં અનુભવાતી ભીંસ, અસ્તિત્વની સ્થગિતતા, મજબૂત ચોકઠાં ને બંધ બારણાં સામેનો વિદ્રોહ વગેરે ભાવો વ્યક્ત થયા છે. એમાંનું ‘લઘરો’ કાવ્યજૂથ ભાષાસામર્થ્ય વિશે શ્રદ્ધા ગુમાવતા કવિની, હાસ્ય-કટાક્ષનો આશ્રય લઈ કરેલી વિડંબનાથી ધ્યાનપાત્ર બન્યું છે. ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪) નાં કાવ્યોમાં શબ્દની વંધ્યતા સંવેદનનો વિષય બને છે. શબ્દવિષયક આ સંવેદના શબ્દ દ્વારા જ વ્યક્ત થવા મથે છે ત્યારે એ વખતોવખત વિચારતત્વના ભારણવાળી અને સંવેદનના પુનરાવર્તનવાળી બની જાય છે. ‘પ્રવાહણ’ (૧૯૮૬) એ દીર્ઘકાવ્યમાં મળોત્સર્ગની જુગુપ્સાપ્રેરક અને ગુહ્ય ક્રિયાની સહોપસ્થિતિમાં કાવ્યોત્સર્ગની ક્રિયાને મૂકી સર્જનની પ્રવૃત્તિની વિડંબના-વેદનાને કવિએ સબળ અભિવ્યક્તિ આપી છે.
લેખકનું પહેલું એકાંકી ‘અસત્યકુમાર એકાગ્રની ધરપકડ’, ‘રેમઠ’ના પાંચ સર્જકમિત્રોએ સાથે મળી પ્રગટ કરેલા એકાંકીસંગ્રહ ‘મેઈક બિલીવ’ (૧૯૬૭)માં મળે છે. આ એકાંકી અને ત્યાર પછી પ્રગટ થયેલા સ્વતંત્ર એકાંકીસંગ્રહ ‘મરી જવાની મઝા’ (૧૯૭૩)નાં એકાંકીઓ ઍબ્સર્ડ શૈલીનાં છે. નાટ્યોચિત ભાષાની સૂઝ અને નિરૂપણની હળવાશ એ એના આસ્વાદ્ય અંશો છે; પરંતુ ક્રિયા કરતાં સંવાદનું વિશેષ ભારણ અને કવિચત્ ઘટનાની યોગ્ય માવજત કરવાની ખામીને લીધે એમાં નાટ્યતત્વ ખૂટે છે. પરંતુ, પહેલાં પ્રયોગ અને પછી લેખન એ લીલાનાટ્યની પ્રક્રિયામાંથી મળેલાં ‘આકંઠ સાબરમતી’ ની નીપજરૂપ ‘બાથટબમાં માછલી’ (૧૯૮૨) નાં એકાંકીઓમાં નાટ્યતત્વ પૂરેપુરું સિદ્ધ થતું જોવાય છે. ભાષાનો શબ્દ અપૂરતો લાગતાં આંગિક અભિનય અને અન્ય અવાજોની મદદથી નાટ્યઅર્થને ઉપસાવવાનો જે ઉપક્રમ આ એકાંકી-નાટકોમાં છે તે તત્વ ગુજરાતી નાટકના વિકાસમાં મહત્વનું સ્થિત્યંતર છે. સુભાષ શાહ અને રચેલા સેમ્યુઅલ બેકેટના ‘વેઈટિંગ ફોર ગોદો’ નાટકથી પ્રભાવિત ત્રિઅંકી નાટક ‘એક ઊંદર અને જદુનાથ’ (૧૯૬૬)માં નાટ્યતત્વ કરતાં પ્રયોગનાવીન્ય વિશેષ છે. પાંચપ્રવેશી દ્વિવઅંકી નાટક ‘પીળું ગુલાબ અને હું’ (૧૯૮૫) પણ ‘લીલાનાટ્ય’ ની નીપજ છે. આ નાટકમાં કૃતકતા અને દાંભિકતાથી ઉબાઈ ગયેલી, અકૃતક પ્રેમસ્પર્શને ઝંખતી એક સ્ત્રીની વેદના વ્યક્ત થઈ છે.
લેખકની બે નવલકથાઓમાંની ‘અકસ્માત’ (૧૯૬૮) એ સાદી પ્રણયકથા છે, તો ‘કોણ ?’ (૧૯૬૮) એ નક્કર કારણોના અભાવને લીધે અપ્રતિકાર પરિસ્થિતિ પર મંડાયેલી અને સંઘર્ષ વગરની, જીવનથી નિર્ભ્રાન્ત બનેલા, ચીલેચલુ જીવનને છોડી નાસી છૂટતા, એક વિલક્ષણ વ્યક્તિત્વવાળા યુવાનની કથા છે.
‘ઈનર લાઈફ’ નવલકથા-સ્વરૂપની તપાસ કરતો દિનેશ કોઠારીના સહયોગમાં લખેલો વિવેચનગ્રંથ છે. ‘મળેલા જીવની સમીક્ષા’ (૧૯૬૯) અધ્યાપકીય વિવેચનનું પુસ્તક છે. લોકસત્તા (દૈનિક) માં કટારલેખો રૂપે લખેલા લેખોનો સંગ્રહ ‘સર્વમિત્ર’ (૧૯૮૬) આયુર્વેદીય ગ્રંથ હોવા છતાં દરેક પ્રસંગની સાથે સંકળાયેલા સર્વમિત્રના વ્યક્તિત્વની કેટલીક વિલક્ષણ રેખાઓથી જુદા પ્રકારનો ગ્રંથ બને છે. ‘એક મિનિટ’ (૧૯૮૬) એ રાજ્ય, ધર્મ, શિક્ષણ, કલા, સાહિત્ય આદિ પરના, સંવેદનથી ચમકતા લઘુલેખોનો સંગ્રહ છે. ‘મારી બા’ (૧૯૮૯) ચરિત્રપુસ્તક છે. – જયંત ગાડીત