કાનુડાને બાંધ્યો છે હીરના દોરે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા, નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં; એના હોઠ બે બિડાયા હજી તોરે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી હાથેથી મોગરાની માળા, આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું કાનકુંવર શું ઓછા હતા કાળા? બંધ છોડે જશોદાને કહો્ રે કોઈ જઈને જશોદાને કહો્ રે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
હરીન્દ્ર દવે
કવિ, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧ થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવોર્ડ. ૧૯૮૨ ના રણજિતરામ સુવર્ણચંદ્રક.
તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) એમના ગઝલસંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહના ભાવસંવેદનને અભિવ્યક્ત કરતાં અન્ય ગીતોમાં રહેલું છે. ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં….’ જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે. એમનાં ગીતોમાં લયહલક અને ભાવમાધુર્ય છે. ‘મૌન’ (૧૯૬૬)માં બહુધા ઉત્તમ ગીતો સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ (૧૯૭૭) નામે કરેલા સંપાદનમાં બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’ (૧૯૭૨)માં એમની મુક્તક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને લયબદ્ધ કવિતા પણ એમણે રચી છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’ (૧૯૭૫)માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે આધુનિકતાની પરવા વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપી છે. અન્યોના સહયોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યાં છે.
એમની પહેલી નવલકથા ‘અગનપંખી’ (૧૯૬૨) છે. પણ એમને આધુનિક નવલકથાકારોની પંગતમાં બેસાડનાર પ્રયોગશીલ અને વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ (૧૯૬૬) છે. વિદ્વદભોગ્ય આ કૃતિમાં પ્રણય અને તજજન્ય વેદનાનાં વ્યંજનાપૂર્ણ ચિત્રણો છે અને એમાં એકાધિક પાત્રયુગ્મોને મૂકીને લેખકે સંરચનાનો વિશિષ્ટ પ્રયોગ સિદ્ધ કર્યો છે. ૧૯૬૮માં પ્રગટ થયેલી ‘અનાગત’ નલકથાનું કાઠું લઘુનવલનું છે. પ્રણય ને વેદનાસભર એકલતાને જીવતાં-જીરવતાં બે પાત્રોની આ કથામાં અન્ય પાત્રોની જીવનચેતના પણ સરસ નિરૂપણ પામી છે. કૃતિનંા રચનાવિધાન અને ભાષા કવિ હરીન્દ્રનો નોખો પરિચય કરાવી રહે છે. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ (૧૯૭૦) છે. અહીં નારદની કૃષ્ણશોધ વર્ણવાઈ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે.
એમની નવલકથાઓમાં મહદંશે વર્તમાન યુગનાં સ્ત્રી-પુરુષોની સંવેદનજન્ય સમસ્યાઓ આકારિત થઈ છે. એમની કેટલીક નવલોમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ પછીથી વર્ણવાઈ છે. આ પ્રકારની કૃતિઓ ‘સુખ નામનો પ્રદેશ’ (૧૯૭૬) થી પ્રારંભાઈ છે. ‘સંગ-અસંગ’ (૧૯૭૯)માં સાધુસંતોના આંતરજીવનના પ્રશ્નોનાં ચારુ આલેખનો મળે છે; ‘લોહીનો રંગ લાલ’ (૧૯૮૧) સમસ્યાને કથીને અટકી જાય છે; ‘ગાંધીની કાવડ’ (૧૯૮૪)માં સાંપ્રત રાજકારણ ઉપર કટાક્ષ છે. આમ, એમની કૃતિઓમાં વિષય અને નિરૂપણનું વૈવિધ્ય છે. એ કશા ચોકઠામાં બદ્ધ રહેનારા લેખકોમાંના નથી. જીવનની વાસ્તવિકતાને નવલકથામાં કળાત્મક અભિવ્યક્તિ આપવામાં એમને ઠીકઠીક સફળતા મળી છે.
‘યુગે યુગે’ (૧૯૬૯) એમનું દીર્ઘ નાટક છે. ‘કવિ અને કવિતા’ (૧૯૭૧) કવિતાના આસ્વાદનું પુસ્તક છે. ‘ગાલિબ’ (૧૯૬૯), ‘દયારામ’ (૧૯૬૫), ‘મુશાયરાની કથા’ (૧૯૫૯), ‘સ્વામી નારાયણ સંપ્રદાય’ (૧૯૭૦) જેવી પુસ્તિકાઓ પરિચયાત્મક છે. ‘ઉમાશંકર જોશી’ (૧૯૮૬) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું એમનું પુસ્તક છે.
‘કૃષ્ણ અને માનવ સંબંધો’ (૧૯૮૨)માં એમણે કૃષ્ણસંબંધે માનવીય ચિંતન પેશ કર્યું છે. અહીં એમની દ્રષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. ‘નીરવ-સંવાદ’ (૧૯૮૦)માં એમના ચિંતનલેખો છે. ‘વેરાતું સ્વપ્ન ઘુંટાતુ સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય છે. ‘શબ્દ ભીતર સુધી’ (૧૯૮૭) નિબંધસંગ્રહ છે. ‘મધુવન’ (૧૯૬૨) એમનું ગઝલ-સંપાદન છે.
‘પિંજરનું પંખી’, ‘ધરતીનાં છોરું’, ‘ચરણ રુકે ત્યાં’,‘વાદળ વરસ્યાં નહિ’- આ ચાર અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પણ કર્યા છે.