એક જણની સામે સાચા થઈ જુઓ,
ને, અરીસા તોડી હળવા થઈ જૂઓ.
સ્થિરતા સંબંધમાં આવી જશે,
બસ, સમયસર ઓછા-વત્તા થઈ જુઓ.
નહિ રહે અફસોસ પીળા પાનનો,
ક્યાંક કૂંપળ, ક્યાંક ટહુકા થઈ જુઓ.
ભીતરી અસબાબને પામી શકો,
માર્ગ ભૂલેલાના નકશા થઈ જુઓ.
થઇ જશે પળવારમાં એ ઠાવકું,
મન ગળ્યું માંગે તો કળવા થઈ જુઓ.
લક્ષ્મી ડોબરિયા.
(તાસીર જુદી છે)
લક્ષ્મી ડોબરિયા
જન્મતારીખ : ૮-૧૨-૬૨
જન્મસ્થળ : અંજાર (કચ્છ)
પ્રકાશિત પુસ્તકો :
2 સંયુક્ત ગઝલ સંગ્રહ
શ્રી ગઝલ (૨૦૦૫)
તત્ત્વ (૨૦૧૦)
સ્વતંત્ર ગઝલ સંગ્રહ..
“તાસીર જુદી છે” (૨૦૧૫)
ગીત સંગ્રહ..
“છાપ અલગ મેં છોડી” (૨૦૧૯)
અકાદમી દ્વારા પ્રકાશિત કવયિત્રીઓના કાવ્યોનું સંપાદિત પુસ્તક
“ટેરવે ઊગ્યું આકાશ”માં સહ સંપાદક
પારિતોષિક અને સન્માન :
ફૂલછાબ દૈનિક દ્વારા ‘નારી ગૌરવ’ એવૉર્ડ
સુરક્ષાસેતુ સોસાયટી રાજકોટ દ્વારા વ્યક્તિ વિશેષ સન્માન
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ‘નારીરત્ન’ સન્માન
વિશ્વભારતી સંસ્થા અમદાવાદ દ્વારા કાવ્ય-કોકિલ હીરા પારિતોષિક.