વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને
વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.
લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,
લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે … વારી જાઉં.
લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે,
લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે … વારી જાઉં.
લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને દ્વાર રે,
ઉઠ કદંબ અવની માગી, બલિ ચાંપ્યો પાતાળે રે … વારી જાઉં.
લટકે રઘુપતિ રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે … વારી જાઉં.
એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસૈંના સ્વામી, હીંડે મોડામોડ રે … વારી જાઉં.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
‘તે જ હું’, ‘તે જ હું’, શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ,
અહીંયા કો’ નથી કૃષ્ણ તોલે.
શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમે સંજીવન-મૂળી.
ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે,
સોનાના પારણા માંહી ઝૂલે.
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો.
અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે.