હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
તો જાગેલા દીવાથી કાંપે.
દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
ને સૂકવેલી લાગણીઓ કોરી.
ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
– ભાગ્યેશ જહા