જે ગમે તે બધું કરાય નહીં,
ઢાળ પર જળનું ઘર ચણાય નહીં.
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહીં?
એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહીં.
દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહીં
સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહીં.
મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહીં.
આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહીં.
– ગૌરાંગ ઠાકર