બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.
હું મૂઇ રંગે શામળી ને લાડ માં બોલવા જઉં,
હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં.
બાઇજી! તારો બેટડો મુંને કોયલ કહીને પજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.
જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું,
આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું.
બાઇજી! તારો બેટડો મારી આંખે ચોમાસું ઊજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.
મોલ ભરેલા ખેતરમાં નહીં પતંગિયાનો પાર,
નજરું નાં અડપલાંનો છે મહિમા અપરંપાર !
બાઇજી! તારો બેટડો મારા ગાલ ને છાના ભીંજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં રીઝવે !
લાલજી કાનપરિયા