બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા
મને જંગલે ભરડો લીધો
મૂઆ કેસૂડે ચટાકો દીધો
મને લીલુડો આફરો ચડ્યો રે મા જોગમાયા
હું બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા
મને લીલોતરા ઘાસે ફટવી
રોયા કાળોતરા ડુંગરે ફસવી
મને અષાઢી મેઘલે ભીંજવી રે માં જોગમાયા
હું બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા
મારા હાથમાં ડોલે ડુંગરા
બેય પગમાં કૂદે ઝરણાં
હું તો લાગુ ભારે વરવી રે મા જોગમાયા
હું બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા
બેસું ગુમસુમ વાવડીની પાળે
જોઉં રૂમઝૂમ બોરડીની ડાળે
મારે અંગે શૂળનો સણકો રે મા જોગમાયા
હું બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા
નીતા રામૈયા