હરિને ભજતાં – ગેમલ

Share it via

હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભિષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યોં રે. હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને..

વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે.
પંચાળીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે. હરિને…

વહાલે આગે સંતોના કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને…

ગેમલ

Leave a Comment

error: Content is protected !!