સંકટમોચન વીનવું, બ્રહ્મતનયા ભોળી
હું કથા કરું ઠાવકી લયમાં કલમ બોળી.
ગદ્યમાં ઘણાં ગડગડે, બહુ વિધ તૂરવાજાં
પદ્યની કરી પાલખી, તેડાવું લયરાજજા.
કવિતા કેવળ ઉપરણું , પદ્ય કેવળ ઉપાય
પાત્ર પોતે સત્તાધિશ, જેહ રાયનું રાય.
કવિ ગુણગાયક પાત્રનો, કાગળ લહિયો માત્ર
રસ પડે તો ગાજો ગુણ, નહીં તો ગણજો જાત્ર.
નહીંનગરનુ રાજ છે, પડછાયાની ભીડ
મનની બારી ખોલતાં, તકૅ તણું ઘનબીડ.
નથી મહાકથાનો પટ,વારિ નહીં નિબૅધ
શ્રી ફતુના લઘુકાચમાં, લક્ષ ચહેરા અંધ.
નથી હું કથક આ ક્ષણે, નથી શ્રોતા કોઈ
આવો સાક્ષીભાવથી, શબ્દ મંડપ માંહ્ય.
નહીંનગરનુ આદિથી ફત્તાપર શુભનામ
શ્રી ફતુનુ શાસન તપે, લોક વસે પરગામ.
શ્રી ફતુ છે નાયક ગુણી, પરણ્યો પીડાનાર
કરે આંસુમાં પ્રેમથી ડબડબતા કિલકાર.
કાગળ કૂવે ઘૂઘવે નરનાર અહોરાત
શાહી જેવી ખટ ઘડી આંજીને રળિયાત.
ઈચ્છા કર્યા તણું ભોગવે પાપ મનપછીત
ભાંગી નાખે પિંડને, ચંચળ ચપળ અતીત.
શબ્દ સૂસવે બ્હાવરા, ખોલી નાખી અર્થ
કાગળ કક્ષ માં ઊભા અચરજ કે અનર્થ?
દપૅણમા જંપલાવી ઊભા છે ચકચૂર
ચહેરા વગરની વ્યથા, બાળે જીવકપૂર.
દપૅણ દેખી રાયજી કરતા તિયૅક દષ્ટ
કાચમાં તિરસ્કાર અતિ,પેખી પામ્યા કષ્ટ.
કાગળ લાવી શબ્દમાં, પ્રથમ મૂક્યો થાક
ચહેરો નથી એ વિષે, મારો છે શું વાંક?
ભોરિંગ થઈ ફૂફવું? ભીંસી દઉ આ કાચ
ક્યારે શાંતિ પામશુ? રગરગ ડંખ્યું સાચ.
રગરગ ડંખ્યું સાચ કે ફોગટ તું મલકાય
ફત્તાપરના ચોકમાં, શ્રી ફતુજી ચર્ચાય.
સ્યાહિ ઢળી ગઈ શ્વાસમાં અપરાધી મુખ થાય
ગભરાય ઓછાડથી, ઊંઘ અવળું તણાય.
જોશી સાતસેં નોતર્યા, તેડયા કવિતાકૂળ
લાગ્યા નિજનાં શોધવા, પોથી વચ્ચે મૂળ.
જોશી બેઠા ચોકમાં, ઝાઝા ને બહું થોક
ફત્તાપરના આભમાં, પ્રસરી ગયો છે શોક.
અંતે મૂકી પંડની, શ્રી ફતુએ તસ્વીર
હણવા લીધાં શસ્ત્ર ને પાડી મોટી રીર.
પાડી મોટી રીરને ચ્હેરો જોયો આપ
દશૅન કીધાં પૂચ્છનાં, બોલી જય જય ખાંપ!
દર્શન લાધ્યાં રાયને, સઘળે ચર્ચા થાય
નહીંનગરનું લોક સૌ, ધન્ય થવાનો જાય.
પૂંછડીનો સ્પર્શ કરી, ઠેકે ચૌદે લોક
ફત્તાપરની સીમમાં, ટોળાં થોકે થોક.
શ્રી ફતુનો મહિમાં કર્યો, કવિ પરેશ છે નામ
સાંભળે ને પાઠ કરે, ફતુ લેશે નિજધામ.