શ્યામ રંગ સમીપે ન જાવું – દયારામ

Share it via

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે….

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….

મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….
દયારામ

આ એપ પર દરરોજ બે રચનાઓ મુકવામાં આવશે
નિયમિત મુલાકાત લેતા રહેશો અને મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં

Leave a Comment

error: Content is protected !!