હો રંગ ઊડે પિચકારીએ
કેસૂડે કામણ ઘોળ્યાં :
લ્યો લ્યો કેસૂડાં!
હો પાસેવાળાં પડી રહ્યાં
આઘાંને રંગે રોળ્યાં :
લ્યો લ્યો કેસૂડાં!
હો કોઈનો ભીંજે કંચવો-
જી કોઈનાં સાડી-શેલાં :
લ્યો લ્યો કેસૂડાં!
હો કોઈ ના કોરું રહી જશે
જી કોઈ મોડાં, કોઈ વહેલાં :
લ્યો લ્યો કેસૂડાં!
હો છાબડીએ છલકાઈ રહ્યાં
જી વેચાતાં વણમૂલે :
લ્યો લ્યો કેસૂડાં!
આ નથી રમત જી રંગની
ઉર ધબકે ફૂલેફૂલે :
લ્યો લ્યો કેસૂડાં!
આ રંગ ઊડે પિચકારીએ
કેસૂડે કામણ ઘોળ્યાં :
લ્યો લ્યો કેસૂડાં!