લીલી લીલી વયમાં અમને વાગ્યો ભીનો છાંટો રે,
આસપાસ ઘેરીને ઊભો આકળવિકળ સન્નાટો રે,
રંગોના દરિયાઓ આવી ફળિયા વચ્ચે બુડયા જી,
ડાળીથી છટકેલાં ફૂલો પતંગિયા થૈ ઊડ્યાં જી.
અમે ચૂર નશામાં અમને ખળખળ ઝરણાં છાંટો રે,
લીલી લીલી વયમાં અમને વાગ્યો ભીનો છાંટો રે,
સૂના સૂના ઓરડિયામાં અઢળક ઊગ્યા ઉજાગરા,
નજરું વચ્ચે રોફી દીધા અજંપાના ધજાગરા !
આરપાર ઊતરી ગયો છે અણિયાળો એક કાંટો રે,
લીલી લીલી વયમાં અમને વાગ્યો ભીનો છાંટો રે.
મેઘધનુની કેડી માથે સાતેય પગલાં પાડી બેઠાં,
છીંડું ખોળી છાનામાના વાદળિયા ખેતરમાં પેઠાં.
પડી ગયો સરિયામ રસ્તાથી અલગ એક ફાંટો રે,
લીલી લીલી વયમાં અમને વાગ્યો ભીનો છાંટો રે.
લાલજી કાનપરિયા