હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !
છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !
-રાજેન્દ્ર શુક્લ
કર્તા પરિચય:
રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ-વતન અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો સાથે શાળાહીન તાલીમનો પ્રયોગ. ૨૦૦૫-૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા એવોર્ડ.
તેમણે છાંદસ – અચાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે. પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. તેમની આજ સુધીની કાવ્યયાત્રા ‘ગઝલસંહિતા’ના પાંચ ભાગમાં ગ્રંથસ્થ થઈ છે.
Wah