દિવસ ને રાત પુજે છે અને નોખો જ માને છે !
ઘણાં લોકો મને માણસ નહીં ! મોકો જ માને છે !
બધા આવે છે,બેસે છે અને પાછાં જતા રહે છે,
મને સૌ વૃક્ષનાં બદલે ફકત ઓટો જ માને છે !
ઘણાં ઘટ-ઘટ કરી પીવે મને ખાલી કરી નાંખે !
પછી ચીરે મલાઈ કાઢવા ! ત્રોફો જ માને છે !
મને ફુંકે તો હું ગાઉં ! ને મારે થાપ તો વાગું !
સુરીલું વાદ્ય છું હું પણ બધા પોલો જ માને છે !
દગા-ફટકા પચાવીને સતત હસતો રહું છું હું !
હવે તકલીફ એ છે સૌ મને ફોટો જ માને છે !
~ ડૉ.મનોજ જોશી ‘મન’
( જામનગર )