તને એવી રીતે હું જોઉં છુ મારી પ્રતિક્ષામાં
મને જેવી રીતે હું જોઉં છુ ઝાંખા અરીસામાં
બધા રસ્તા નદીની જેમ વ્હેવાં લાગશે ક્યારે?
ચરણ બોળીને બેઠો છું અહીં તારા જ રસ્તામાં.
બીડેલા છીપ જેવી લાગણી ને હાથમાં છે રણ
તને, જો ધારણા હો સ્વાતિની તો ફેંક દરિયામાં.
મને પંખી કહે પિંજર કહે અથવા કહે આકાશ
છતાં હોતો નથી હું ક્યાંય પણ તારા પુરાવામાં
સળગતા કોલસા પર નીતરે છે આંખના વાદળ
વિચારું જ્યાં તને ત્યાં તો નીકળતો હું ધુમાડામાં.
તને છે ઘાસનું ઘેલું મને છે ઓસની ભીતિ
કહે તું કઈ રીતે મળવું વરસતા છેક તડકામાં
અહીં ભયગ્રસ્ત હાથોમાં થયો છુ કેદ વર્ષોથી
તને હું કેમ સમજાવું દિવસને એક ઘટનામાં?
- મહેન્દ્ર જોશી
હા ત્યાં સુધી જવાનું ,બીજું તો શું થવાનું ?
થોડી રમત રમીને ‘આઉટ ‘ થઈ જવાનું !
આ આભ ત્યાં ઢળે છે ધીંગી ધરા મળે જ્યાં
માથે ચરણ લઈ ને મસ્તીથી દોડવાનું
પહાડો ય કોઈ કાળે હૈયું તો ઠાલવે છે
માણસ થઈ તમારે કૈં પણ ન બોલવાનું ?
ત્યાં ઝાડને અઢેલી ઊભું રહી જવાનું
જ્યારે વધે અચાનક તોફાન જો હવાનું
ઘરના ખૂણે સલામત કોઈ જગા ન હો તો
ધાબા ઉપર જઈને નભને ઉતારવાનું
ચાલો જઈ બિરાજી મનના ગુરુ શિખર પર
ત્યાં પૂર આવશે નહિ ઝાકળ કે ઝાંઝવાનું !
- મહેન્દ્ર જોશી