હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો,
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…
આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ…
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ…
પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી…
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગેકાવજો એ અમે કોમળ કોમળ…
હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક રડજો,
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો,
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો…
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ…
– માધવ રામાનુજ