મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
રોજ વિઘ્નો પાર કરતાં દોડવાનું છોડીએ.
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ.
આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ–બ–ખુદ,
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ.
મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે,
કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ.
હોય જો તાકાત તો બે –ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
હેમેન શાહ