સલામત ઘેર પ્હોંચી જાય તો ફોન કરજે,
ને રસ્તામાં કશે અટવાય તો ફોન કરજે.
સ્મરણ મારું ન પડવા દે તને ચેન કયાંયે,
ને જીવ એકાંતમાં ગભરાય તો ફોન કરજે.
ઘણી વેળા ગણી બાબત સમજ આપી છે મેં
એમાંની એક પણ સમજાય તો ફોન કરજે.
જુએ જ્યારે તું ખુદને આયનામાં તે સાથે,
ચહેરો મારો પણ દેખાય તો ફોન કરજે,
નથી યુગ પત્ર લખવાનો છતાં વાત કરવા,
તને ક્યારેક જો મન થાય તો ફોન કરજે.
મને તરછોડીને કાયમ ભલે ચાલી ગઈ તું,
જીવનમાં પ્રશ્ન કૈં સર્જાય તો ફોન કરજે.
હરીશ ધોબી