ફર્યું તારીખનું પાનું મને નીંદર નથી આવી,
પછી પડખું ફર્યો છાનું મને નીંદર નથી આવી.
પણે ફૂટપાથ પર સૂતેલ માણસને જગાડી કહું,
લઈ મલમલનું બિછાનું મને નીંદર નથી આવી !
હું જેને સ્વપ્નમાં જોતો એ આવી ખુદ જગાડે તો,
કર્યું સુવાનું મેં બ્હાનું મને નીંદર નથી આવી.
મીચેલી આંખને જોઈને સમજો કે સૂતો છુ,
હું જોતો મૃત્યુ પોતાનું મને નીંદર નથી આવી.
મન એ એક ઝીણી વાત આખી રાત ખટકી છે,
તમે કા મન ગણો નાનું? મને નીંદર નથી આવી.
અરવિંદ ભટ્ટ