કોણે દીધા આ ઘાવ મને કૈં ખબર નથી,
મિત્રો કરે બચાવ મને કૈં ખબર નથી.
રઝળી રહી છે લાશ સંબંધો તણી અહીં-
ક્યારે બન્યો બનાવ મને કૈં ખબર નથી.
પીંછી લઈ પળની સતત કૈં ચીતર્યા કરું;
કેવો મળ્યો ઉઠાવ મને કૈં ખબર નથી.
પ્રશ્નો બધે પ્રશ્નો રહ્યા, ઘટ્યા નહીં જરા;
કોનો હતો સુઝાવ મને કૈં ખબર નથી.
કેવી લગન લાગી હશે જીવન-પ્રવાસમાં,
આવી ગયો પડાવ મને કૈં ખબર નથી.