આવડી મોટી જિંદગી ને ઘડી જેવડું સુખ
મનવા શું કરીએ
ખોબા જેવડું આયખું ને દરિયા જેટલું દુઃખ
મનવા શું કરીએ
જીવતરની ચોપાટ વચાળે પાસા પડે નૈ પોબારા
સમજ્યા વિના જો ખેલીએ તો સંબંધોના હોબાળા
સમજણ એટલું સુખ મનવા બાકી બધું રે દુઃખ
મનવા શું કરીએ
ફૂગ્ગાઓમા શ્વાસ ભરીને જંગલ વચ્ચે રહેવાનું
ઠેસ વાગે તો આંખ લૂંછીને હસતા- હસતા રહેવાનું
મૌનની ભાષા ભૂલી જઈએ દેહભાષાનુ સુખ
મનવા શું કરીએ
કાયા ને ઝગમગતી રાખવા અંધારું આતમમાં ભરીએ
અજવાળાની આંધી વચ્ચે ધીમું ધીમું ખરીએ
રજકણ જેટલું આયખું ને પર્વત જેટલું દુઃખ
મનવા શું કરીએ
ડૉ. કનૈયાલાલ ભટ્ટ